મહીસાગર:
રાજ્યમાં કળિયુગી માતા-પિતા દ્વારા પોતાના જ લોહીને તરછોડી દેવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. મહીસાગર જિલ્લામાંથી આવી જ માનવતાને શરમાવતી ઘટના સામે આવી છે, જ્યાં એક નવજાત શિશુ રઝળતી હાલતમાં મળી આવ્યું છે. આ કુમળા બાળકને રસ્તા પર ત્યજી દેવાયેલી હાલતમાં જોતાં જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સરાડિયા વિસ્તારની ઘટના
મળતી માહિતી મુજબ, મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના સરાડિયા વિસ્તારમાંથી આ તાજું જન્મેલું બાળક મળી આવ્યું હતું. કોઈ અજાણ્યા કળિયુગી માતા-પિતા પોતાના પાપ છુપાવવા અથવા અન્ય કોઈ અકળ કારણોસર આ માસૂમ જીવને ખુલ્લામાં છોડીને ફરાર થઈ ગયા હતા. રડવાનો અવાજ આવતાં આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને કપડામાં લપેટેલા નવજાત શિશુને જોઈ ચોંકી ઉઠ્યા હતા.
108 ઇમરજન્સી ટીમે બચાવ્યો જીવ
સ્થાનિકો એ તાત્કાલિક સમય સૂચકતા વાપરીને ‘108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ’ને આ અંગે જાણ કરી હતી. માહિતી મળતા જ 108 એમ્બ્યુલન્સની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મેડિકલ સ્ટાફ દ્વારા બાળકને એમ્બ્યુલન્સમાં જ તાત્કાલિક પ્રાથમિક સારવાર અને હૂંફ આપવામાં આવી હતી. સમયસર મેડિકલ સહાય મળી રહેવાના કારણે આ માસૂમ બાળકનો જીવ બચી ગયો છે.
વીરપુરથી લુણાવાડા હોસ્પિટલ ખસેડાયું
બાળકની સ્થિતિને ધ્યાનમાં રાખીને 108ની ટીમ દ્વારા તેને સૌપ્રથમ નજીકના વીરપુર સીએચસી (CHC – સામુહિક આરોગ્ય કેન્દ્ર) ખાતે લઈ જવામાં આવ્યું હતું. ત્યાં પ્રાથમિક તપાસ કર્યા બાદ વધુ સઘન સારવાર અને ઓબ્ઝર્વેશન માટે બાળકને લુણાવાડા કોટેજ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યું છે. હાલમાં બાળકની સ્થિતિ સ્થિર અને સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે.
